ધીરજાખ્યાન
કડવું – ૬૧
થોડી થોડી વાત કહી રાય ઋષિની કથીજી, જેમ છે તેમ તે કહેવાણી નથીજી
વિસ્તારે વાત સુણજો પુરાણથીજી, એ જેવા થયા કૈ અધિક એક એકથીજી
એક એકથી અધિક થયા, કૈક ઋષિ કૈક રાજન ॥
તે પ્રસિદ્ધ છે પુરાણમાંયે, સહુ માનજો જન મન ॥૨॥
કઠણ કસણી સહી શરીરે, કાઢ્યો મેલ માંહેલો માયાતણો ॥
ત્રણ ગુણ પંચવિષય વાસના, કર્યો ત્યાગ તેનો તને મને ઘણો ॥૩॥
અખંડ વરતે નિત્ય અંતરે, બાહ્ય દૃષ્ટિને સમેટી વળી ॥
જેમ વરસે જળ અચળ1 પર, પણ નીચી ભૂમિએ આવે ઢળી ॥૪॥
તેમ વૃત્તિયો સર્વે વળી, મળી આવી તે અંતરમાંયે ॥
પછી મૂર્તિ મેલી મહારાજની, જાયે ન આવે ક્યાંયે ॥૫॥
માલ મળ્યો મોટો ઘણો ઘરમાં, તેના અમલનો આનંદ રહે ॥
મેલી ચંદન મળિયાગરુ, વળી વેઠે કોયલા2 કોણ વહે ॥૬॥
એવાં સુખ સંસારનાં, જાણો કુચ્ય3 કોયલા સમાન ॥
કાળપ્ય આપે ખંજોળી સંતાપે, વળી ના’પે સુખ નિદાન ॥૭॥
એવા સુખને અભાગિયા, રાત દિવસ રૂવે છે રહ્યા ॥
પણ વાત નથી વિચારતા, જે ઠાલે હાથે કૈક ગયા ॥૮॥
મહા દુઃખે જે સુખ મળે, તે પણ ટળી વળી જાય ॥
એવા સુખને અજ્ઞ જન વિન, કહો ભાઈ કોણ ચહાય ॥૯॥
એમ આગળ રાય ઋષિએ, સમજીને કીધો છે ત્યાગ ॥
નિષ્કુળાનંદ કહે નર અભાગીને, નથી ઊપજતો વૈરાગ ॥૧૦॥