ધીરજાખ્યાન
કડવું – ૪૪
દમયંતી પોકાર કહે હે રાજનજી, મેલી તમે મુજને રડવડતી વનજી
હું પતિવ્રતા મારું અબળાનું તનજી, તમ વિના મારી કોણ કરશે જતનજી
જતન કરતા તે જાતા રહ્યા, હવે રહીશ હું શી રીતમાં ॥
હે દૈવ દીધું દુઃખ તે સામટું, તેહનું ન વિચાર્યું ચિત્તમાં ॥૨॥
રડી લડથડી પડી ગઈ, શુદ્ધ ન રહી શરીરની ॥
નળ વિયોગે એ નારને, નયણે નદી ચાલી નીરની ॥૩॥
પછી પડતી આખડતી વળી, ચાલી એકા એક1 વનમાં ॥
લાગ્યા કાંટા કાંકરા ખરા, તેની પીડા થઈ છે તનમાં ॥૪॥
તેમ જ નળરાય તનમાં, પામે છે પીડા અતિ ઘણી ॥
પણ સત્ય ન મૂકે ધર્મ ન ચૂકે, શું કહિયે ધીરજ તેહતણી ॥૫॥
એમ કંઈક કષ્ટ ભોગવ્યાં, તેનો કહેતાં ન આવે પાર ॥
રાત દિવસ રડવડતાં, વળી વહી ગયાં વર્ષ બાર ॥૬॥
પછી પામ્યા નિજ રાજ્યને, ભાવે ભજ્યા શ્રી ભગવાન ॥
એટલું કળિ વળી કરી ગયો, તોય ન ચળ્યાં સત્યથી નિદાન ॥૭॥
એમ સાધુને સત્ય રાખવું, રાખવી દૃઢમતિ ધર્મમાં ॥
સુખ દુઃખ સહી શરીરને, રહેવું અચળ નિજ આશ્રમમાં2 ॥૮॥
ધર્મ સમ ધન નથી, નરનારીને નિદાન ॥
ધર્મ જાતાં જો ધન મળે, તો જાણવું થયું એ જ્યાન ॥૯॥
એવી આંટી પાડી અંતરે, હરિજન હિંમત રાખો હૈયે ॥
નિષ્કુળાનંદનો નાથજી, થાશે રાજી અતિશે તૈયે ॥૧૦॥