ધીરજાખ્યાન
કડવું – ૫૭
સુણો એક મુદ્ગલ ઋષિની રીતજી, વીણે અન્ન દિન પંદર લગી નિત્યજી
કરી પાક જમાડે અભ્યાગત1 ઘણે હિતજી, વધે અન્ન તેહ જમે કરી અતિ પ્રિતજી
કરી પ્રીત અતિ જમતો, ત્યાં દુર્વાસા ઋષિ આવિયા ॥
અતિ આદર દઈ બ્રાહ્મણે, જમવાને બેસારિયા ॥૨॥
જમી અન્ન જે વધ્યું હતું, તે ચોળી2 પોતાને તન ॥
ચટક દઈ ચાલી નીસર્યા, ગયા શિવને ભવન ॥૩॥
પછી પંદર દિવસે વળી, ભેળું કર્યું બ્રાહ્મણે અન્ન ॥
તે પણ તેમનું તેમ કર્યું, તોય રહ્યા મુદ્ગલ મગન ॥૪॥
એમનું એમ કરતાં વળી, વીતી ગયા દ્વાદશ માસ ॥
અન્ન વિનાના એટલા, પડ્યા ચોખા ઉપવાસ ॥૫॥
ત્યારે દુર્વાસા કહે ધન્ય દ્વિજ તું, ધન્ય ધીરજ તારી નિદાન ॥
તેહ સમામાં તેડવા, આવ્યાં વિબુધનાં વિમાન ॥૬॥
બેસો ઋષિ વિમાનમાં, તેડી જાયે અમરપુરમાંય ॥
સત્ય ટેક તમારી જોઈને, અમે આવ્યા તેડવા આંય ॥૭॥
ત્યારે પૂછ્યું સુખ દુઃખ સ્વર્ગનું, કહ્યું કંઈક ચઢે પડે પણ ખરાં ॥
ત્યારે મુદ્ગલ કહે નહિ આવું એ ધામે, લઈ જાઓ વિમાનને પરાં3 ॥૮॥
અલ્પ સુખને ભોગવી, પુન્ય ખૂટે પાછું પડવું ॥
એવા સુખને વળી સાંભળી, ચોખું નથી એ વેને4 ચડવું ॥૯॥
પછી અવધે5 તન તજી કરી, ગયા તે અખંડ ધામમાં ॥
નિષ્કુળાનંદ કહે સહ્યું કષ્ટ જેહ, તેહ આવિયું કામમાં ॥૧૦॥