ધીરજાખ્યાન
કડવું – ૩૬
એમ પ્રસન્ન કર્યા પરબ્રહ્મજી, સહી શરીરે બહુ પરિશ્રમજી
એહ વાત સાંભળી લેવો મર્મજી, વાત છે કઠણ નથી કાંઈ નર્મજી
નર્મ નથી છે કઠણ ઘણી, જેવા તેવાથી થાતી નથી ॥
સહુ સહુના મનમાં જુવો, ઊંડું વિચારી અંતરથી ॥૨॥
વણ ખપવાળાને એ વારતા, અણુ એક અર્થે આવે નહિ ॥
મહિમા માહાત્મ્ય મોટપ્ય મુખથી, કહિયે મર કથી કથી કહિ ॥૩॥
જેમ પશુજનને ચાર્ય1 પ્યારી, તેહ નીલી2 દેખીને નવ તજે ॥
સહે કષ્ટ બહુ એહ સારુ, તોય ભાવે કરી એહને ભજે3 ॥૪॥
જોને મોટી આશા છે મનમાં, જેવી પામવાને પૈસાતણી ॥
તેવી આશા નથી અવિનાશ પદની, વાત શું કહિયે ઘણી ઘણી ॥૫॥
અન્ન વસન સારુ અંગ આપે, જિયાં કાપે શત્રુ વળી શીશ ॥
એ તો થાય છે ઉછરંગશું,4 પણ ભજાય નહિ જગદીશ ॥૬॥
અસત્ય સુખ સારુ એવું કરે, પિંડ પાડ્યા સુધી પ્રયાણ5 ॥
સત્ય સુખને સાંભળી, વળી થાતી નથી એવી તાણ ॥૭॥
વિષનો કીડો વિષમાં, વસી વખાણે વિષનું સુખ ॥
તેને રે’તા અમૃતમાં, થાય જરૂર જાણજો દુઃખ ॥૮॥
તેમ ભક્ત આ બ્રહ્માંડમાં, ભજે હરિ ન તજે વિકાર ॥
જેમ કેશ કહિયે કઠેકાણા તણા, શ્વેત શ્યામ સહુ એક હાર ॥૯॥
ભક્ત થાય ભગવાનના, પ્રથમના ભક્ત પ્રમાણ ॥
નિષ્કુળાનંદ કહે તે વિના, બીજા માનો માયાના વેચાણ ॥૧૦॥