ધીરજાખ્યાન
પદ – ૧૫
રાગ: કડખો (‘શાંતિ પમાડે તેને સંત કહીએ’ એ ઢાળ)
ક્ષમાવંત સંત અત્યંત સુખ ભોગવે, પામે દુઃખ ક્ષમાની ખોટવાળા;
સોનું રૂપું જેમ સહે ઘણા ઘાવને રે, જોઈએ કાચને વળી રખવાળા... ક્ષમાવંત ॥૧॥
રૂપા સોનાનાં ભૂષણ સહુ પે’રી ફરે, એ તો અંગોઅંગમાં શોભા આપે;
કાચ ભાંગે તો કામ આવે નહિ રે, કટકા કોઈકનું તન કાપે... ક્ષમાવંત ॥૨॥
સર્પ સિંહ સ્વભાવવાળા સંત શિયા, જેની પાસે જાતાં પગ પડે પાછા;
અતિ અખતર1 નર નરસા ઘણા રે, તેને કહેવું પડે તમે સંત સાચા... ક્ષમાવંત ॥૩॥
એ જેવી કે’વી દેવી નંદવાણા2 તણી, રૂઠે તૂઠે3 આપે સંતાપ સરખો;
નિષ્કુળાનંદ કહે નવ થાય ઓરતો4 રે, જો પહેલા વહેલા એના પગ પરખો... ક્ષમાવંત ॥૪॥