ધીરજાખ્યાન
કડવું – ૨૬
જ્યારે જાય વો’રવા1 વસ્તુ અમૂલ્યજી, ત્યારે જોઈએ કરવો મનમાંય તોલજી2
દેશે ત્યારે જ્યારે મુખે લેશે માગ્યું મૂલ્યજી, એહ વાત કહી કથી નથી એમાં ભૂલ્યજી
ભૂલ્યે કરે મનસૂબો મનમાં, તે વિના પૈસે પૂરો ન થાય ॥
તેમ શ્રદ્ધાહીનની ભગતી, તે પણ તેવી કે’વાય ॥૨॥
નથી વિત્ત3 વો’રે અજિયા,4 કરે હાથી લેવાની હોંશ ॥
તે તો પામ્યાનાં પાંપળાં, અમથો કરે અપસોસ ॥૩॥
જેમ વર જાનૈયા જાનમાં, વળી જાય જોડા જોડ ॥
જાનૈયા તો જમે રમે, ધરે વર શિરપર મોડ5 ॥૪॥
માટે જોઈ અધિકાર આપણો, પછી દિલમાં કરવો ડોડ6 ॥
પ્રહલાદ ધ્રુવ હરિશ્ચંદ્ર જેવો, ક્યાંથી પૂરો થાય મન કોડ7 ॥૫॥
જેમ પંચ અસવાર પંથે જાતાં, છઠ્ઠો ભેળો થયો નર ખરે8 ચડી ॥
તેની પોં’ચવાની પ્રતીત કરવી, એ પણ ભૂલ્ય મોટી પડી ॥૬॥
જેમ બક હંસ બરોબરી, વળી ઊજળા એક જ વાન9 ॥
તેમ સાચા કાચા સંત સરિખા, એમ જાણવું એ જ અજ્ઞાન ॥૭॥
શરીર સુખને સંભારતાં, નિશદિન નવરાં નવ રહિયે ॥
મહા સુખ મહારાજનું, કહો તે કઈ રીતે લઇયે ॥૮॥
કાયરને કેમ ધીરજ10 થાવું, એ પણ અટપટી વાત છે ॥
વેષ લેતાં શૂરવીરનો, જન જાણો ઘટની11 ઘાત12 છે ॥૯॥
પેખી ભક્ત પૂરવના, હૈયે રે’તી નથી વળી હામ ॥
નિષ્કુળાનંદ આજે આદર્યું, તે કઠણ છે ઘણું કામ ॥૧૦॥