ધીરજાખ્યાન
કડવું – ૪૧
વળી કહું વાત હરિજનની અમળજી, નલરપુરીનો1 રાજા એક નળજી
રૂપ ગુણ શીલ ઉદાર નિર્મળજી, એવો વીરસેનનો સુત સબળજી
સબળ ને સત્યવાદી સુણી, દમયંતીએ વિચારી વાત ॥
વરવું છે એ નળને, બીજા પુરુષ તાત ને ભ્રાત ॥૨॥
તેહ વાત ન જાણે તાત એહનો, રચ્યો સ્વયંવર તેહ વાર ॥
તેમાં રાજા તેડાવિયા, સહુ આવવા થયા તૈયાર ॥૩॥
ત્યારે નારદે કહ્યું જઈ ઇન્દ્રને, ધર્મ અગ્નિ સુણો વરુણ ॥
તમ જોગ્ય એ કન્યા ભીમની, સુણ્યા સર્વે એના મેં ગુણ ॥૪॥
પણ એને વરવું છે નળને, એવી દૃઢ ધારી છે ટેક ॥
ટેક તજાવી તમે વરો, તો વળે વડો વશેક2 ॥૫॥
નળ અંતરે નિરમળ છે, જેમ કહેશો તેમ કરશે ॥
તજી પ્રિય પોતાતણું, તમારું પ્રિય અનુસરશે ॥૬॥
ત્યારે ચારે મળી કહ્યું નળને, તું કર્ય અમારાં વખાણ ॥
તું તારી નિંદા કરજે, તો અમને વરશે એહ જાણ ॥૭॥
ત્યારે નળે કહ્યું જઈ દમયંતીને, ઇન્દ્ર અગ્નિ ધર્મ ને વરુણ ॥
એને વર્ય તું વેગે કરી, તો તારે તોલે આવે કહું કોણ ॥૮॥
ત્યારે દમયંતી કહે એ દેવતા, હું તો વરી છું નળરાય ॥
હવે ડગાવું જો દિલને, તો પતિવ્રતાપણું જાય ॥૯॥
ત્યારે ઇન્દ્રાદિ ચારે નળ થયા, પલટાવી પોતાનો વેષ ॥
નિષ્કુળાનંદ કહે નાથ સમરી,3 ત્યાં આવ્યા નળ નરેશ ॥૧૦॥