ધીરજાખ્યાન
કડવું – ૯
કહો ભાઈ આપણે કરિયે કેમજી, સહુ વિચારવા લાગ્યા વળી એમજી
કોણ જાણે કેમ રહે છે એ ક્ષેમજી,1 હવે જેમ મરે કરો સહુ તેમજી
તેમ તપાસી સહુ કરો, નાખો ઠાઉકો ઠાલે2 કૂપ ॥
મરી જાશે કે ભોરંગ3 ખાશે, થાશે તેણે રાજી ઘણું ભૂપ ॥૨॥
તેમાં નાંખ્યે પણ નવ મર્યા, ત્યારે ડર્યા અસુર અપાર ॥
ખરો વેરી છે ખોટું નથી, એમ થયો સહુને વિચાર ॥૩॥
પછી કહે છે પછાડો પહાડથી, થાય તલ તલ એનું તન ॥
તેમનું તેમ તેણે કર્યું, તેમાં કરી હરિયે જતન ॥૪॥
પછી ખારા જળ કીચમાં,4 ઘાલિયા ઘણો દઈ ભાર ॥
તેથી પ્રહલાદ ઊગર્યા, શ્રીહરિએ કીધી સાર ॥૫॥
પછી શસ્ત્ર સરવે સજ્જ કરી, ઊઠ્યા મારવા શૂરવીર ॥
તેણે ત્રાસ પામ્યા નહિ, ધન્ય ધન્ય એ જનની ધીર ॥૬॥
પછી પાવકે5 પરજાળવા,6 બાળવા કર્યો વિચાર ॥
તેહ વિનાના ઉપાય બીજા, કર્યા હજારે હજાર ॥૭॥
ભક્ત જાણી ભગવાનના, છે અસુરને વેર અતિ ॥
મનસૂબો મને મારવાનો, કરે છે બહુ કુમતિ ॥૮॥
નર નારી સહુ એમ બોલે, કોઈ ઘાત કરો પ્રહલાદની ॥
તો અસુર સહુ અભય થાયે, જય થાય ક્રવ્યાદની7 ॥૯॥
આશ્ચર્ય પામ્યા અમર નર, જોઈ પ્રહલાદની ધીર ॥
નિષ્કુળાનંદના નાથની કસણી, જોઈ નયણે આવ્યાં નીર ॥૧૦॥