ધીરજાખ્યાન
કડવું – ૮
કહે હિરણ્યકશિપુ કોઈ છે યાં સેવકજી, મારી મુકાવો આની તમે ટેકજી1
આણે તો આદરિયું અવળું છેકજી, એવું સુણી ઊઠિયા અસુર અનેકજી
અસુર ઊઠી આવી કહે, રાય જેમ કહો તેમ કરીએ ॥
રાય કહે આને મારો જીવથી, તો આપણે સર્વે ઊગરીએ ॥૨॥
અસુર કુળ કાનનનો,2 કાપનાર આ છે કુઠાર3 ॥
જેમ મહા અરણ્યને અલ્પ અગ્ન, વળી બાળી કરે છે છાર4 ॥૩॥
માટે માનો એના થકી, વડો થાશે વળી વિનાશ ॥
જેમ ઝીણો કણિકો ઝેરનો, કરે કલેવર5 નાશ ॥૪॥
કાળ6 છે આપણા કુળનો, તમે જાણી લેજો જરૂર ॥
માટે એને જો મારિયે, તો સહુ ઊગરિયે અસુર ॥૫॥
માત તાત સુત ભ્રાતનો, વેરી લિયે વા’લાનો વેશ ॥
એથી સુખ આવે નહિ, આવે કઠણ કષ્ટ કલેશ ॥૬॥
માટે એને તમે જરૂર મારો, મ વિચારો બીજી વાત ॥
છેલ્લી આજ્ઞા એ જ છે, કરો એના જીવની ઘાત ॥૭॥
એવું સુણી અસુર નર, સહુ તરત થયા તૈયાર ॥
મારો મારો સહુ કરે, અઘે ભર્યા નર અપાર ॥૮॥
નમે’રી7 ને નિર્દયા, વળી પાપના પુંજ8 કહિયે ॥
તેને પાને9 પ્રહલાદ પડિયા, ખરી ક્ષમા એની લહિયે ॥૯॥