ધીરજાખ્યાન
કડવું – ૫૩
એવા તો સનકાદિક સુજાણજી, વિષયસુખ દુઃખરૂપ જાણી તજી તાણજી
ભજી પ્રભુ પામિયા પદ નિર્વાણજી, એહ વાત સરવે પુરાણે પ્રમાણજી
પુરાણે વાત એહ પરઠી,1 સનકાદિક સમ નહિ કોય ॥
વેર કરી વિષયસુખ સાથે, ભજ્યા શ્રીહરિ સોય ॥૨॥
જેહ સુખ સારું શિવ બ્રહ્મા, સુર અસુર નર ભૂખ્યા ભમે ॥
તે સુખ સનકાદિકને, સ્વપ્નામાં પણ નવ ગમે ॥૩॥
ભક્તિ કરી હરિને રીઝવ્યા, માગો માગો કહે શ્રીઘનશ્યામ ॥
માગિયે વય વર્ષ પાંચની, વળી રહિયે સદા નિષ્કામ ॥૪॥
પછી પામી અવસ્થા વર્ષ પાંચની, સર્વે લોકમાં ફરે સુજાણ ॥
સુણાવે કથા શ્રીકૃષ્ણની, કરે બહુ જીવનાં કલ્યાણ ॥૫॥
ઊંડી અંતરથી ઇચ્છા ગઈ, સ્પર્શ સુખ ત્રિયા તનની ॥
એની પેઠે કરો આપણે, મેલી દિયો ઇચ્છા મનની ॥૬॥
નિરવિષયી ગમે છે નાથને, વિષય વિકળ2 ગમતા નથી ॥
જેમ સમળ3 નર બેસે સભામાં, સહુ જાણે ઊઠી જાયે આંહીંથી ॥૭॥
ઉપર બન્યા બહુ ઊજળા, માંયે મેલની મણા નથી ॥
એવા જન જોઈ જગપતિ, અભાવ કરે છે ઉરથી ॥૮॥
ઇચ્છાઓ અનેક ઉરમાં, ખાન પાન સ્પર્શ સુખની ॥
એવા ભક્તની ભગતિ, હરિ વદે4 નહિ વિમુખની ॥૯॥
પંચ વિષયની પટારિયું, ઘણી ઘાટે ભરી ઘટમાંય5 ॥
નિષ્કુળાનંદ કહે નાથના, એહ ભક્ત તે ન કહેવાય ॥૧૦॥