ધીરજાખ્યાન
કડવું – ૨
આગે અનેક થયા હરિજનજી, તેહને આવ્યાં બહુ બહુ વિઘનજી
સમજી વિચારી કર્યાં ઉલ્લંઘનજી, ભાવશું ભજ્યાં શ્રી ભગવનજી
ભજ્યા ભગવાન ભાવશું, સાબિત કરી શિરસાટ ॥
લાલચ મેલી આ લોકસુખની, લીધી અલૌકિક વાટ ॥૨॥
તે ભક્ત પ્રહલાદ પ્રમાણિયે, જાણિયે ધ્રુવ જનક જેદેવ1 ॥
વિભીષણ અંબરીષ આદિ, ભજ્યા હરિ તજી બીજી ટેવ ॥૩॥
શિબિ વળી સુધનવા, ઋભુ ને રંતિદેવ કહિયે ॥
નળ મુદગલ મયુરધ્વજ, હરિશ્ચંદ્ર હરિજન લહિયે ॥૪॥
શુક નારદ ને સનકાદિક, જડભરત જાજળી જાણિયે ॥
આરુણી વળી ઉપમન્યુ, ખરા ખપવાળા એ વખાણિયે ॥૫॥
ઊંડું વિચારી અંતરમાં, જાણી લીધું જેમ છે તેમ ॥
ખાટ્ય2 થોડી ને ખોટ્ય ઘણી, એહ મારગે ચલાય કેમ ॥૬॥
અલ્પ સુખ સંસારનું, તેમાં દુઃખનો નહિ પાર ॥
જેમ ધાંખે3 ખાયે ધંતૂર4 નર, તેમા નાવે સુખ નિરધાર ॥૭॥
એવું જોઈ સુખ આ જક્તનું, જેનું માન્યું નહિ કિયાં મન ॥
તજ્યું સુખ ત્રિય તન ધનનું, કરવા પ્રભુને પ્રસન્ન ॥૮॥
મોટા દુઃખને5 મટાડવા, કસી કમર કરડાઈ6 કરી ॥
જીતિયે કે જાય જીવથી,7 પણ એ દુઃખમાં ના’વિયે ફરી ॥૯॥
એવો આગ્રહ જેણે આદર્યો, કરી અંતરે ઊંડો વિચાર ॥
નિષ્કુળાનંદ એવા જનની, શ્રીહરિ કરે છે સાર8 ॥૧૦॥