ધીરજાખ્યાન
પદ – ૧૦
રાગ: બિહાગડો (‘સરલ વરતવે છે સારું રે મનવા’ એ ઢાળ)
શીદને રહિયે કંગાલ રે સંતો
જ્યારે મળ્યો મોટો મહા માલ રે સંતો... શીદ
પૂરણ બ્રહ્મ પુરુષોત્તમ પામી, ખામી ન રહી એક વાલ;1
અમલ સહિત વાત ઓચરવી,2 માની મનમાં નિહાલ રે સંતો ॥૧॥
રાજાની રાણી ભમી ભીખ માગે, હાલે કંગાલને હાલ;
ઘર લજામણી રાણી જાણી રાજા, ખીજી પાડે વળી ખાલ3 રે સંતો ॥૨॥
તેમ ભક્ત ભગવાનના થઈને, રહે વિષયમાં બેહાલ;4
તે તો પામર નર જાણો પૂરા, હરિભક્તની ધરી છે ઢાલ રે સંતો ॥૩॥
તન મન આશ તજી તુચ્છ જાણી, કાઢું સમઝી એ સાલ;5
નિષ્કુળાનંદ એ ભક્ત હરિના, બીજા બજારી બકાલ6 રે સંતો; ॥૪॥