ધીરજાખ્યાન
પદ – ૪
રાગ: રામગરી (‘મન રે માન્યું નંદલાલશું’ એ ઢાળ)
ઇચ્છ્યા અટળ પદ આપવા, અલબેલો અવિનાશ;
આવી એમ ધ્રુવને કહ્યું રે, માગો માગો મુજ પાસ. ઇચ્છ્યા ॥૧॥
ધ્રુવજી કહે ધન્ય ધન્ય નાથજી, તમે પ્રસન્ન જ થયા;
એથી બીજું શું માગવું, દિન દુઃખના ગયા. ઇચ્છ્યા ॥૨॥
અખંડ રે’જો મારે અંતરે, પ્રભુ આવાના આવા;
મોટું બંધન છે માયા તણું, તેમાં ન દેશો બંધાવા. ઇચ્છ્યા ॥૩॥
એમ ધ્રુવજી જ્યારે ઓચર્યા,1 લાગ્યું સારું શ્યામને;
નિષ્કુળાનંદ કહે નાથે પછી, આપ્યું અચળ ધામને. ઇચ્છ્યા ॥૪॥