ધીરજાખ્યાન
પદ – ૧૧
રાગ: બિહાગડો (‘સરલ વરતવે છે સારું રે મનવા’ એ ઢાળ)
કરિયે રાજી ઘનશ્યામ રે, સંતો
તો સરે સરવે કામ રે સંતો... ટેક
મરજી જોઈ મહારાજના મનની, એમ રહિયે આઠું જામ;
જે ન ગમે જગદીશને જાણો, તેનું ન પૂછીએ નામ રે સંતો... ॥૧॥
તેમાં કષ્ટ આવે જો કાંઈક, સહિયે હૈયે કરી હામ;
અચળ અડગ રહિયે એક મને, તો પામિયે સુખ વિશ્રામ રે સંતો... ॥૨॥
જુવો રીત આગેના જનની, પામ્યા વિપત્તિ વિરામ;
જનમ થકી માનો મુવા સુધી, ઠરી બેઠા નહિ ઠામ રે સંતો... ॥૩॥
એ તો દોયલું સોયલું છે આજ, તજિયે દોય દામ વામ;
નિષ્કુળાનંદ નિઃશંક થઈને, પામિયે હરિનું ધામ રે સંતો... ॥૪॥