ધીરજાખ્યાન
પદ – ૧
રાગ: રામગરી (‘મન રે માન્યું નંદલાલશું’ એ ઢાળ)
ભક્ત થાવું રે ભગવાનનું, છે જો કઠણ કામ;
સુખ સર્વે સંસારનાં રે, કરવાં જોઈએ હરામ.1 ભક્ત ॥૧॥
દેહ ગેહ2 દારા3 દામનું,4 મેલવું મમતા ને માન;
એહમાંથી સુખ આવે એવું રે, ભૂલ્યે ન પડે ભાન. ભક્ત ॥૨॥
વિપત આવે વણ વાંકથી, તે તો સહે જો શરીરે;
ઉપહાસ5 કરે આવી કોય રે, તેમાં રહે દૃઢ ધીરે. ભક્ત ॥૩॥
ખૂની6 ન થાય ખમે ઘણું, એવા સહજ સ્વભાવે;
નિષ્કુળાનંદ એવા ભક્તનો, જશ જુગોજુગ કહાવે. ભક્ત ॥૪॥
પ્રસંગ
ભગવાનના ભક્તને દુઃખ જ હોય
શ્રાવણ સુદિ એકાદશીને દિવસે મહેમદાવાદથી તલાટી જીવરામ તથા ભાઈલાલ વિશ્વનાથ શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજી પાસેથી ભગતજીની વાતો સાંભળી અમદાવાદ હિંડોળાનાં દર્શન સારુ અને ભગતજીના સમાગમ સારુ આવ્યા. તે વખતે બપોરે સભા ભરાઈને બેઠી હતી. ભગતજી સભામાં વાતો કરતા હતા કે, “મટકે રહિત ભજન કરતાં શીખવું.” અને પછી સર્વેને કહ્યું, “ઉઘાડે નેત્રે વીસ માળા ફેરવો.” તે પ્રમાણે બધા માળા ફેરવવા માંડ્યા અને ભગતજી પણ વૃત્તિઓ ખેંચીને બેઠા.
તે જોઈને તલાટી દિંગ થઈ ગયા. એમને લાગ્યું કે શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજીએ કહ્યું છે તે વાત ખોટી નથી. ચમત્કાર વિના આટલા માણસો માને કેમ? આ તો કળિયુગમાં સત્યુગ સ્થાપ્યો છે.
પછી સર્વેએ માળા ફેરવી લીધી એટલે ભગતજી ઊઠીને ઉતારે ગયા. તેમની પાછળ તલાટી પણ ગયા. પછી કાલિદાસ જે તેમની સાથે હતા તેમણે તલાટીને કહ્યું, “તમારે જે કંઈ પૂછવું હોય તે પૂછજો.”
એટલે ભગતજી ઉતારે પોતાને આસને આવીને બેઠા, ત્યારે તલાટીએ નમસ્કાર કરી હાથ જોડી પૂછ્યું, “મહારાજ! આપનો આટલો પ્રતાપ ચોખ્ખો જણાય છે છતાં લોકો નિંદા કરે છે? મહત્પુરુષનાં તો લોકોમાં ગુણગાન ગવાય.”
ત્યારે ભગતજીએ કહ્યું, “શાસ્ત્રની વાતો જો મેળવીએ તો આગળ જેટલા મોટા થઈ ગયા છે તેની પણ તે વખતે નિંદા જ થઈ છે અને લોકોએ દુઃખ દીધાં છે. જુઓ પ્રહ્લાદ, પાંડવ, જયદેવ, નરસિંહ મહેતાનાં આખ્યાનો વિચારો તો પૃથ્વીના પડ ઉપર જેટલાં દુઃખમાત્ર હતાં તે બધાં તેમને માથે આવ્યાં હતાં. પણ એ દુઃખને જ્યારે એમણે ગણ્યાં નહિ ત્યારે જ ભગવાન પ્રસન્ન થયા અને લોકમાં કીર્તિ થઈ.”
તે ઉપર ધીરજાખ્યાનનું પદ બોલાવ્યું:
ભક્ત થાવું રે ભગવાનનું, છે જો કઠણ કામ;
સુખ સર્વે સંસારનાં રે, કરવાં જોઈએ હરામ... ભક્ત.
દેહ ગેહ દારા દામનું, મેલવું મમતા ને માન;
એહમાંથી સુખ આવે એવું રે, ભૂલ્યે ન પડે ભાન... ભક્ત.
વિકટ આવે વણ વાંકથી, તે તો સહેજો શરીર;
ઉપહાસ કરે આવી કોય રે, તેમાં રહે દૃઢ ધીર... ભક્ત.
ખૂની ન થાય ખમે ઘણું, એવા સહજ સ્વભાવે;
નિષ્કુળાનંદ એવા ભક્તનો, જશ જુગોજુગ કહાવે... ભક્ત.
પછી ભગતજીએ કહ્યું, “દેવ, આચાર્ય, સાધુ અને શાસ્ત્ર તેની જે નિંદા કરે તે મને દીઠોય ગમે નહિ અને એનું પ્રતિપાદન કરે તે સત્સંગી છે અને મારે એ ચારનો ક્યારેય અભાવ નથી.” એમ સમ ખાઈને વાત કરી. ત્યારે તલાટીને પ્રતીતિ થઈ કે જરૂર ભગતજી મહાપુરુષ છે.
[બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત]