ધીરજાખ્યાન
કડવું – ૧૬
વળી કહું વર્ણવી ધ્રુવની વાતજી, શીત ઉષ્ણ સહે છે દિન ને રાતજી
તેમાં ન થાય કોઈ કાળે કળિયાતજી, કરવા હરિને રાજી રળિયાતજી
રાજી કરવા મહારાજને, સુખ દુઃખ સહે છે શરીર ॥
અડગ ઊભા એક પગ ભર, ધારી દૃઢતા મન ધીર ॥૨॥
રોઝ ગેંડા પાડા અરણા, શશાં સેમર સુરા ગાય ॥
આવે એવાં વળી દુઃખ દેવા, પણ બીવે નહિ મનમાંય ॥૩॥
ગૃજ્ય ગીધ1 ચીલ2 ચીબરી, કાક કરૂરી3 સુઘરી કપોત ॥
ભ્રમર તમર બોલે ટીડડાં, ઠામ ઠામ દમકે4 ખદ્યોત ॥૪॥
એકએકથી અધિક પાપી, પાડે ભજનમાં ભંગ ॥
તોય ધ્રુવજી નથી ધ્રૂજતા, ધરી ધીરજ કરી દૃઢ અંગ ॥૫॥
ખાન પાનની ખબર નથી, નથી કરતાં નિદ્રા નયણે ॥
ભજે છે ભગવાનને, વારમવાર વયણે ॥૬॥
શ્વાસોશ્વાસે સમરે, સુખદાયી શ્રી ઘનશ્યામ ॥
પળ એક પામતા નથી, એહ ભજનથી વિરામ ॥૭॥
તનને રાખ્યું છે તપમાં, મન રાખ્યું છે મહા પ્રભુમાંય ॥
તેહ વિના તન મન બીજે, રાખ્યું નથી કહું ક્યાંય ॥૮॥
જોઈ તપ એ જનનું, બાળપણનું બહુ પેર ॥
માનવ દાનવ દેવતાને કહો, કેમ ના’વે મને મે’ર ॥૯॥
વિષ્ણુ તેહને વિલોકીને, રીઝ્યા અતિ રમાપતિ ॥
નિષ્કુળાનંદ કહે નાથજી, ઇચ્છ્યા દેવા પૂરણ પ્રાપતિ ॥૧૦॥