ધીરજાખ્યાન
કડવું – ૧૫
નિર્બળથી નથી નીપજતું એ કામજી, શીદ કરે કોઈ હૈયામાંહી હામજી1
ઘણું કઠણ છે પામવા ઘનશ્યામજી, જેણે પામિયે સુખ વિશ્રામજી2
સુખ વિશ્રામ પામિયે, વામિયે સર્વે વિઘન ॥
તેમાં કસર ન રાખિયે, રાખિયે પ્રગળ3 મન ॥૨॥
ધારી ટેક ધ્રુવના સરખી, ઉર આંટી પાડવી એમ ॥
પામું હરિ કે પાડું પંડને, કરું ધ્રુવે કર્યું હું તેમ ॥૩॥
એમ ઓથ્ય મોટાની લિયે, ખોટ્ય તે ખોવા4 કાજ ॥
ખાલી ન જાય ખેપ તેની, જરૂર રીઝે મહારાજ ॥૪॥
પ્રહલાદ ધ્રુવની પેરે5 કરે, સમઝી ભક્તિ સુજાણ ॥
તેથી અધિક કરવી નથી, કરવી એને પ્રમાણ6 ॥૫॥
એના જેવી જે આદરે, સહે તને કષ્ટ બહુ ટાઢ ॥
એમ કરતાં હરિ મળે, ત્યારે પલટ્યો નથી7 કાંઈ પાડ8 ॥૬॥
એના જેવી વળી આપણે, ભલી ભાતે બાંધિયે ભેટ ॥
ત્યારે પ્રસન્ન જન પર પ્રભુ, ન થાય કહો કેમ નેટ9 ॥૭॥
હિંમત જોઈ હરિજનની, હરિ રહે છે હાજર હજૂર ॥
પણ ભાંગે મને ભક્તિ કરે, તેથી શ્રીહરિ રહે દૂર ॥૮॥
સાચાને સોંઘા ઘણા છે, નથી મોંઘા થયા મહારાજ ॥
ખોટાને ન જડે ખોળતાં, તે દિન કે વળી આજ ॥૯॥
માટે કસર મૂકી કરી, થાઓ ખરા હરિના દાસ ॥
નિષ્કુળાનંદ નજીક છે, તે દાસ પાસ અવિનાશ ॥૧૦॥