ધીરજાખ્યાન
કડવું – ૧
રાગ: ધન્યાશ્રી
સુખના સિંધુ શ્રી સહજાનંદજી, જગજીવન કહીએ જગવંદજી
શરણાગતના સદા સુખકંદજી, પરમ સ્નેહી છે પરમાનંદજી
ઢાળ:
પરમ સ્નેહી સંત જનના, છે ઘણા હેતુ ઘનશ્યામ ॥
દાસના દોષ ટાળવા, રહે છે તૈયાર આઠું જામ1 ॥૨॥
અનેક વિઘનથી લિયે ઉગારી, કરી પળેપળે પ્રતિપાળ ॥
પરદુઃખ દેખી નવ શકે, એવા છે જો દીનદયાળ ॥૩॥
નિજ દાસને દુશ્મન જન, ઘડીઘડીએ ઘાત કરે ઘણી ॥
ક્ષણુક્ષણુએ ખબર ખરી, રાખે છે હરિ તેહ તણી ॥૪॥
જેમ પડે જનને પાંસરું,2 તેમ કરે છે એ કૃપાનિધિ ॥
સુખ દુઃખ ને વળી સમ વિષમે,3 રાખે છે ખબર બહુ વિધિ ॥૫॥
જેમ પાળે જનની પુત્રને, બહુ બહુ કરી જતન ॥
એમ જાળવે નિજ જનને, બહુ ભાવે કરી ભગવન ॥૬॥
આ જગમાં જીવને વળી, હરિ સમ હેતુ4 નહિ કોય ॥
પરમ સુખ પામે પ્રાણધારી, એમ ચિંતવે શ્રીહરિ સોય ॥૭॥
જે દુઃખે થાય સુખ જનને, તે દે છે દુઃખ દયા કરી ॥
જેહ સુખે દુઃખ ઊપજે, તે આપે નહિ કે દી હરિ ॥૮॥
જેમ અનેક વિધની ઔષધિ, હોય અતિ કડવી કસાયલી5 ॥
દર્દારિ6 દિયે દર્દીને, ટાળવા ઉપાધિ બાહેર માંયલી ॥૯॥
કુપથ્ય7 વસ્તુ કે દી ન દિયે, ખાવા તે ખોટે મષે8 કરી ॥
નિષ્કુળાનંદ એમ નિજજનની, સા’ય કરે છે શ્રીહરિ ॥૧૦॥
પ્રસંગ
ભગવાનની સર્વ ક્રિયા પોતાના આશ્રિતના સુખ સારુ હોય છે
પછી રાવસાહેબે ભગતજીને કહ્યું, “આ વિજ્ઞાનદાસજી જેવા સાધુને શા માટે દુઃખ દો છો? એમને છપૈયા ન મોકલશો અને અહીં રાખો.”
ત્યારે ભગતજી કહે, “એ દુઃખ ક્યાં માને છે? એમને તો અખંડ સુખ વર્તે છે.”
પછી તેમને પૂછ્યું, “તમે ખુશીથી જાઓ છો કે નહિ?”
ત્યારે તેમણે કહ્યું, “હા, મહારાજ!”
ત્યારે ભગતજી કહે, “ભગવાન કે મોટાપુરુષ જે કંઈ કરતા હોય તે પોતાના આશ્રિતના હિત સારુ જ હોય! પરંતુ માયિક દૃષ્ટિ જ્યાં સુધી હોય ત્યાં સુધી દેહના દુઃખે દુઃખી થવાય છે. પણ મોટાપુરુષની મરજી જો જણાય, તો દુઃખ થાય જ નહિ.” એમ કહી નીચેનું પદ બોલાવ્યું:
આ જગમાં જીવને વળી, હરિ સમ હેતુ નહિ કોય;
પરમ સુખ પામે પ્રાણધારી, એમ ચિંતવે શ્રીહરિ સોય.
જે દુઃખે થાય સુખ જનને, તે દે છે દુઃખ દયા કરી;
જેહ સુખે દુઃખ ઊપજે, તે આપે નહિ કે’દિ હરિ.
[બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત]