ધીરજાખ્યાન
કડવું – ૩૫
ત્યારે સુર ગયા શ્રીપતિ પાસજી, અમર સહુએ કરી અરદાસજી1
અમને રાખ્યા ત્યાં અમે કર્યો છે નિવાસજી, પણ હવે નથી હરિ એ સ્થાનકની આશજી
આશા નથી એહ સ્થળની, જોઈ તપ ઋભુરાય તણું ॥
એના તપ પ્રતાપે કરી, અમે તો તપિયા ઘણું ॥૨॥
ત્યારે શ્રીહરિ કહે સુર સાંભળો, તમે જાઓ તમારે સ્થાનકે ॥
એમ કહીને ઊઠિયા, અવિનાશી અચાનકે ॥૩॥
આવ્યા રાય ઋભુ પાસળે, દીધાં દયા કરી દરશન ॥
માગો માગો રાય મુજથી, હું થયો છું પ્રસન્ન ॥૪॥
હેત કરી હાથ ફેરવે, મુખ માથે ને સરવે શરીર ॥
જોઈ ધીરજ એ રાજનની, આવી ગયાં નયનમાં નીર ॥૫॥
અતિ દીન આધીન ઊભા, આગળ ઓશિયાળા થઈ ॥
જાણે આપું એ જનને હું, મારું સુખ સરવે લઈ ॥૬॥
વા’લપ દેખાડે છે વળી વળી, હેત હૈયામાં નથી સામતું ॥
અકળાઈ થયા છે ઉતાવળા, મન ધીરજ નથી પામતું ॥૭॥
ત્યારે રાય પાયે લાગ્યા પ્રભુને, કહે ધન્ય અનાથના નાથ ॥
નીરખી તમને નયણે, શ્રીહરિ હું થયો સનાથ ॥૮॥
માગું છું હું મહાપ્રભુ, પંચવિષય સંબંધી જે સુખ ॥
દેશો મા તે દયા કરી, જેથી થાય તમથી વિમુખ ॥૯॥
ત્યારે શ્રીહરિ કહે શુદ્ધ ભક્ત તમે, નથી માયાનો લેશ તમમાં જરા ॥
નિષ્કુળાનંદનો નાથ કહે, અનન્ય ભક્ત મારા ખરા ॥૧૦॥