ધીરજાખ્યાન
કડવું – ૬૨
વૈરાગ્ય વિના તનસુખ ન તજાયજી, તનસુખ તજ્યા વિના હરિ ન ભજાયજી
હરિ ભજ્યા વિના ભક્ત ન નીપજાયજી, લીધી મેલી વાતે ભક્તપણું લજાયજી
લજ્જા જાય આલોકમાં, પરલોકે પણ પહોંચે નહિ ॥
એવી ભક્તિ આદરતાં, કહો ભાઈ કમાણી સહી ॥૨॥
જેમ કેશરિયાં કોઈ કરી ચાલે, ઘાલે કાખમાં કોળી તરણની ॥
કામ પડે કો’ કેમ આવે, પ્રતીતિ એના મરણની ॥૩॥
જેમ સતી ચાલી બા’રે બળવા, ભેળાં ભરી લિયે જળ માટલાં ॥
આગ્ય લાગે ઊઠી ભાગશે, હોલવી તરણનાં ત્રાટલાં1 ॥૪॥
એમ ભક્ત થઈ ભગવાનનો, વળી કે’વાણો સહુથી ભલો ॥
પણ શરીર સુખરૂપી રાખિયો, મોટો મિયાંનો ગોખલો ॥૫॥
જ્યારે વેચી હવેલી વિત્ત લઈ, ત્યારે આળિયાનો2 શો અર્થ છે ॥
પણ દગો છે એના દિલમાં, જે અંતે કરવો અનર્થ છે ॥૬॥
એવા ભમરાળા ભક્ત ન થાયે, થાયે ભક્ત આગળ કહ્યા એવા ॥
જ્યારે સાત ભાત્યની કરી સુખડી, ત્યારે ન બગાડિયે કાચરિયે વિ’વા3 ॥૭॥
દીધું આંધણ જ્યારે દૂધનું, તેહ માંહી મીઠું ઓરવું4 નહિ ॥
ખાતાં ન ખવાય દૂધ જાય, કહો તેમાં કમાણી સહી ॥૮॥
ભલી ભક્તિ આદરી, પામવા પુરુષોત્તમ સહી ॥
પછી પંડ સુખને ઇચ્છવું, એ તો વાત બને નહિ ॥૯॥
ખાવો ભૈરવ જપને જ્યારે, ત્યારે ખસતું5 ન મેલવું અંગ ॥
નિષ્કુળાનંદ જેમ દીવો દેખી, પાછો ન વળે પતંગ ॥૧૦॥