ધીરજાખ્યાન
પદ – ૧૬
રાગ: કડખો (‘શાંતિ પમાડે તેને સંત કહીએ’ એ ઢાળ)
ધન્ય ધન્ય ધન્ય કહું સાચા સંતને, જેણે રાજી કર્યા રાધા રમાપતિ... ધન્ય
માન અપમાનમાં મન હટક્યું નહિ રે, સમ વિષમે રહી એક મતિ... ધન્ય ॥૧॥
સુખ દુઃખ સમતોલ સમઝ્યા સહી, અરિ મિત્રમાં રહી એક જ બુદ્ધિ;
સંપત્તિ વિપત્તિ સરખી સમ થઈ રે, સમઝ્યા સંત એમ વાત સુધી... ધન્ય ॥૨॥
હાર જીત ને હાણ વૃદ્ધિ જાણો વળી, હરખ શોકમાં નવ હસે રુવે;
ગાંધર્વ શહેર1 સમ સુખ સંસારનાં રે, મૃગજળ2 જોઈ સુખરૂપ જળ ખુવે... ધન્ય ॥૩॥
સ્વપ્નાની પૂજા3 પીડા સ્વપને રહી, તે જાગ્રતમાં એહ આવતી નથી;
નિષ્કુળાનંદ એમ સાચા સંત સમઝે રે, વિચારો સહુ કહું હું વાત કથી. ધન્ય ॥૪॥