ધીરજાખ્યાન
પદ – ૭
રાગ: સિંધુ
કઠણ કસોટી મોટી મહારાજની, સહી રહે વળી કોઈ સંત શૂરા;
જેમ જેમ દુઃખ પડે આવી દેહને, તેમ તેમ તેમ પરખાય પૂરા. કઠણ ॥૧॥
જેણે પાડી છે આંટી મોટી જીવમાં, મન માન્યું છે મરી કરી મટવું;1
ભર2 અવસર પર ધરધરી,3 ફરી ખરી હાક વાગ્યે નથી જ હટવું. કઠણ ॥૨॥
અનેક દેહ ખોયા અણઅરથે,4 તેહ દેહ કાંયે નાવ્યા કામે;
હવે આ દેહ હરિઅરથે કરી, રાખવું છે અચળ તે આઠું જામે. કઠણ ॥૩॥
એમ દૃઢ ધીરજ ધરી કરીને, ભજે છે જેહ ભગવાન ભાવે;
નિષ્કુળાનંદ કહે એમ જાણવું, અંતે અરથ5 પણ એ જ આવે. કઠણ ॥૪॥