ધીરજાખ્યાન
કડવું – ૫૧
ટેક એક નેક શુકજીની સારીજી, મતિ અતિ મોટી સૌને સુખકારીજી
ગજપુર1 આવ્યા રાય પાસે વિચારીજી, પંથમાં પીડા પામ્યા મુનિ ભારીજી
ભારે પીડા પામ્યા પરથી,2 કરી બહુ બહુ ઉપહાસ ॥
ઉન્મત્ત જાણી કહે કઠણ વાણી, ડરાવે દેખાડી ત્રાસ ॥૨॥
કોઈક નાખે ગોબર3 ઠોબર,4 પેશાબ ઈંટ પાણા કઈ ॥
કોઈક સંચારે5 છે સરિયા,6 પાપી નર પૂઠ્યમાં લઈ ॥૩॥
કોઈક તાડે તાળી પાડે, પમાડે દુઃખ વિમુખ ઘણું ॥
શોક હરખ તેનો શુકજીને, નથી અંતરની માંય અણું ॥૪॥
કે’તા નથી તેનું કોઈને, જાણી જક્તના જીવ અજાણ ॥
એવા થકા આવ્યા નરેશ પાસે, કર્યું રાજાનું કલ્યાણ ॥૫॥
આગે વ્યાસને આપ્યો જેણે, ઉત્તર જન વનમાં રહી ॥
આવરણ રહિત આત્મદર્શી, એવા સમર્થ શુકજી સહી ॥૬॥
સમર્થ પણ એ સર્વે સહ્યું, અસમર્થ સહે તેનું શું કહીએ ॥
આજ તપાસો આપણું, એના જેવા નથી કે છઈએ ॥૭॥
ભક્તની રીત જો ભક્તમાં, જન જાણો જોઈએ જરૂર ॥
પોતાની રીત પરહરી પરી, હરિદાસ ન કરવી દૂર ॥૮॥
વેષે લેશ લેવાય નહિ, શાહુકાર નરેશનું સુખ ॥
બોલી દેશી તો બહુ તેમ જ કરે, પણ દામ હુકમનું રહે દુઃખ ॥૯॥
ઓઢી અજીન7 અંગે સિંહનું, જંબુક8 કરે જેમ જોર ॥
નિષ્કુળાનંદ એહ વાતનો, અંતે નહિ આવે નોર9 ॥૧૦॥