ધીરજાખ્યાન
કડવું – ૪૫
વળી કહું એક રાજા અંબરીષજી, તેને ઘેર આવ્યા દુર્વાસા લઈ શિષ્યજી
ભોજન કરાવ્ય અમને નરેશજી, ત્યારે નૃપ કહે નાહી આવો મુનેશજી
મુનિ વે’લા તમે આવજો, આજ છે દ્વાદશીનો દન ॥
નાવ્યા ટાણે1 જાણી નૃપે, કર્યું ઉદકપાન2 રાજન ॥૨॥
વીતી વેળાયે મુનિ આવિયા, રાજા કેમ કર્યું તે ભોજન ॥
મને જમાડ્યા વિના જમ્યો, દઉં છું હું શાપ રાજન ॥૩॥
શાપ દઈ આપે ચાલિયા, આવ્યું સુદર્શન તે વાર ॥
બહુ ભાગે આવે બાળતું, પછી આવ્યા હરિને આધાર3 ॥૪॥
કહ્યું હરિને કષ્ટ નિવારિયે, ટાળિયે સુદર્શનનો ત્રાસ ॥
ત્યારે શ્રીપતિ4 કહે ઋષિ સાંભળો, તમે જાઓ અંબરીષ પાસ ॥૫॥
ત્યારે ઋષિ આવ્યા રાય પાસળે, રાય પાય લાગી કહ્યો અભિપ્રાય ॥
આજ તે દી એક ભાવ હોય તો, સુદર્શન દૂર થાય ॥૬॥
એમ શત્રુ મિત્ર જેને સમ છે, સમ છે સુખ દુઃખ દેનાર ॥
એવા ભક્ત જે જક્તમાંહી, તેની ઉપર પ્રભુનો પ્યાર ॥૭॥
પર પ્રાણીને પીડે નહિ, મર પીડાય પંડ પોતાતણું ॥
એવો વિચાર જેને અંતરે, ઘડીઘડીએ રહે છે ઘણું ॥૮॥
હિતકારી ભારી સૌ જીવના, જેને ભૂંડાઈ ભાગ આવી નથી ॥
તેણે અવળું અવરનું,5 કેમ થાય ઉપર અંતરથી ॥૯॥
સમુદ્ર શીતળ સદાય, કેને દુઃખ ન દિયે કાંય ॥
નિષ્કુળાનંદ એ ભક્તની, શ્રીહરિ કરે છે સા’ય ॥૧૦॥