ધીરજાખ્યાન
કડવું – ૩૯
આપ્યું કાપી તન સત્યવંત1 શિબિરાજજી, તે તો પરલોકના સુખને કાજજી
એના જેવું આપણે કરવું તે આજજી, ત્યારે રીઝશે ઘનશ્યામ મહારાજજી
ઘનશ્યામ ઘણું રીઝે ત્યારે, જ્યારે રહે એ રાજાની રીત ॥
ધીરજ ધર્મ સત્ય સુશીલતા,2 તેના જેવી કરવી જોઈએ પ્રીત ॥૨॥
અંગથી અળગું3 અવનિએ, વળી જે જે જણસો4 હોય ॥
તે તે આપે ત્રિલોકમાં, સુખે થકી સહુ કોય ॥૩॥
પણ જ્યારે આવે અંગ ઉપરે, સુખ દુઃખના સમૂહ મળી ॥
ત્યારે દૃઢ ધીરજ રહે, સંત કહિયે તેને વળી ॥૪॥
મોટી વાત કરતાં મુખથી, વળી સ્વાદ5 આવે છે સહુને ॥
પણ જ્યારે જોઈએ આ જીવમાં, ત્યારે ભળાયે6 ભૂલ્ય બહુને ॥૫॥
એહ ભૂલ્યને અળગી કરી, ખરી હરિની ભક્ત કરિયે ॥
મોટા ભક્ત જે મોરે થયા, તેના મતને અનુસરિયે ॥૬॥
મનગમતું મેલી કરીને, મત મોટાનો મન ધારિયે ॥
પ્રસન્ન કરવા છે પ્રાણપતિને, એટલું તો જરૂર વિચારિયે ॥૭॥
અંતરજામીની આગળે, નહિ ચાલે જૂઠ જરાય ॥
એમ વિચારી આપણે, કસર ન રાખવી કાંય ॥૮॥
એહ વાત અનુપ છે, નક્કી સુખ થાવાની નિદાન ॥
વણ સમઝે વિપત પડે, રણ તૃણાર્થી સંગ શ્વાન7 ॥૯॥
માટે મોટા સંતને મળી, વળી ટાળવી સરવે ભૂલ્ય ॥
નિષ્કુળાનંદ કહે નવ ખોઈએ, અવસર આવ્યો અમૂલ્ય ॥૧૦॥