ધીરજાખ્યાન
કડવું – ૪૭
હંસધ્વજ1 સુત સુધનવા જેહજી, તેને અતિ શ્રીહરિમાં સનેહજી
દૃઢ હરિભક્ત અચળ વળી એહજી, અલ્પ દોષે આવ્યા તાતના ગુન્હામાં તેહજી
તેને તાતે તપાસ કઢાવી, નાખ્યો તપેલ તેલની માંઈ ॥
શ્રીહરિના સ્મરણ થકી, વળી કાયા ન બળી કાંઈ ॥૨॥
ત્યારે કહે તેલ તપ્યું નથી, કાં તો ઔષધિ છે એહ પાસ ॥
તેલ પણ તપેલ ખરું, નહિ ઔષધિ કાઢ્યો તપાસ ॥૩॥
ત્યારે કહે મંત્ર છે એના મુખમાં, તેનો અખંડ કરે છે ઉચ્ચાર ॥
તે મંત્ર તો શ્રીહરિ સ્મરણ, એણે નાવ્યો અંગે અજાર2 ॥૪॥
સાચો ભક્ત શ્રીકૃષ્ણે જાણીને, કરી કષ્ટમાંયે એની સા’ય ॥
ખરી પળે નવ ખમી શકે, દુઃખ દાસનું મનમાંય ॥૫॥
પળપળની પીડા હરવા, હરિ હરિજન પાસે રહે ॥
વણ વિશ્વાસી એહ વાતને, લેશમાત્ર પણ નવ લહે3 ॥૬॥
રાત દિવસ રક્ષા કરે, નિજભક્તની ભગવાન ॥
મીટે થકી તે મૂકે નહિ, નિશ્ચય નાથજી નિદાન ॥૭॥
જનક જનની નિજ જનના, સાચા શ્રીહરિ કહેવાય ॥
એહ હેત જેવું કરે જીવને, તેવું બીજે કહો કેમ થાય ॥૮॥
નક્કી ભક્ત સારુ નાથજી, અવનિયે રહે છે અખંડ ॥
દુર્મતિ તે દેખે નહિ, જેમ પડદા આડું પંડ ॥૯॥
પડદે રહીને પેખે4 હરિ, દેખે દાસની દૃઢતા ધીર5 ॥
નિષ્કુળાનંદ કહે કષ્ટ માંહી, કરે સહાય હરિ અચીર ॥૧૦॥