ધીરજાખ્યાન
પદ – ૧૨
રાગ: બિહાગડો (‘સરલ વરતવે છે સારું રે મનવા’ એ ઢાળ)
ધીરજ સમ નહિ ધન રે સંતો...
આવે અર્થ દોયલે દન રે સંતો...
અતોલ દુઃખ પડે જ્યારે આવી, તે તો ન સે’વાય તન;
તેમાં કાયર થઈને કે દી, ન વદે દીન વચન રે સંતો... ॥૧॥
ધીરજવંતને આપે અત્યંત, દુઃખ બહુ દુરિજન;
તે તો સરવે સહે શરીરે, જાણી તે જન અજ્ઞ1 રે સંતો... ॥૨॥
ધીરજ ધારી રહે નરનારી, પામે તે સુખસદન;
કષ્ટ કાપવાનો એ છે કુઠારો, વાઢે વિપત્તિનાં વન રે સંતો... ॥૩॥
આગે સીતા કુંતા ને દ્રૌપદી, ધારી ધીરજ અતિ મન;
નિષ્કુળાનંદના નાથને કર્યા, પૂરણ એણે પ્રસન્ન રે સંતો... ॥૪॥