ધીરજાખ્યાન
પદ – ૯
રાગ: બિહાગડો (‘સરલ વરતવે છે સારું રે મનવા’ એ ઢાળ)
દોયલું1 થાવું હરિદાસ રે સંતો... દોયલું
જોઈએ તજવી તનસુખ આશ રે સંતો... દોયલું… ટેક
શૂરો જેમ રણમાં લડવા, ધરે હૈયામાં અતિ હુલાસ;
પેટ કટારી મારી2 પગ પરઠે, તેને કેની રહી ત્રાસ રે સંતો... ॥૧॥
કાયર મનમાં કરે મનસૂબા, રે’શું ઊભા આસપાસ;
એમ કરતાં જો ચડી ગયા ચોંટે,3 તો તરત લેશું મુખે ઘાસ રે સંતો... ॥૨॥
શૂરા સંતની રીત એક સરખી, કરવો વેરીનો વિનાશ;
કામ ક્રોધ લોભ મોહ જીતી, ભાવે ભજવા અવિનાશ રે સંતો... ॥૩॥
એવા ભક્ત તે ભક્ત હરિના, તેહ સહે જગ ઉપહાસ;
નિષ્કુળાનંદ કહે તે વિના બીજા, તેનો નાવે કે દી વિશ્વાસ રે સંતો... ॥૪॥