ધીરજાખ્યાન
પદ – ૫
રાગ: સિંધુ
સત્યવાદી સંત સંકટને સહે, રહે ધીર ગંભીર નીરનિધિ1 જેવા
આપે અમાપે તાપે તપે નહિ કે દી, અડગ પગ મગે2 પરઠે એવા. સત્યવાદી ॥૧॥
જગ ઉપહાસ ત્રાસ હરિદાસ સહે, અન્ય કાસ3 ત્રાસ નાશ કીધી જેણે;
અવિનાશ પાસ વાસ આશ કરી, શ્વાસ ઉચ્છવાસ ઉલ્લાસ4 રહે છે તેણે. સત્યવાદી ॥૨॥
અતિ પ્રસન્નવદન નિશદિન રહે, ધન્યધન્ય જન પાવન સરે;5
જગજીવન સ્વજન વિઘન હરે, તેહ વિન ભજન મન નવ કરે. સત્યવાદી ॥૩॥
ગ્રહી ટેક એક વિવેક કરી ખરી, છેક6 તે નેક કહ્યે નવ તજે;
નિષ્કુળાનંદ જગવંદ સહજાનંદ, સુખકંદ ગોવિંદ મુકુંદ ભજે. સત્યવાદી ॥૪॥