ધીરજાખ્યાન
પદ – ૬
રાગ: સિંધુ
રાણી વાણી જાણી તાંણી તીખી કહે, કાઢ કાઢ કાઢ કરવાળ તારી;
ગ્રહે અતિ ગાઢ ગાઢ ગાઢ મને, વાઢ વાઢ વાઢ વળી મુંડ મારી. રાણી ॥૧॥
રખે અડર નર ડરે ડરતો, થરથરથર કર કરીશ મા જો;
ધરી ધીર શરીર શૂરવીર થઈ, નાથ હાથ વાળતા1 દિલે ડરીશ મા જો. રાણી ॥૨॥
ત્યારે અચાનક ચાનક2 ચિત્તે ચડી, દડવડી3 ડગ ભરી દોટ દીધી;
અતિ વિકરાળ કરવાળ ઝાળ જેવી કહીએ, તે ભૂપાળ ઉતાળ4 તતકાળ લીધી. રાણી ॥૩॥
કાઢ્યું ખડગ થડક ધડક5 નથી, થડક થડક તે થડક ટળી;
ફડક ફડક ફડકતી નથી, ઝડક ઝડક કહે મને માર વળી. રાણી ॥૪॥
તીખી તરવાર માર માર માર કરે, ધારે ધારે ધારે ધીરજ ન રહે;
તારે તારે તારે તારા ભણે, માર માર માર એમ સ્વમુખે કહે. રાણી ॥૫॥
સુર નર સાથ સાથ સાથ મળ્યા, પાથ પાથ પાથ6 પડે રડે રહ્યાં;
નિષ્કુળાનંદ અનાથનાથ નાથ, હાથે હાથ હાથ ગ્રહી લીધો છે તિયાં. રાણી ॥૬॥