ધીરજાખ્યાન
કડવું – ૪
જેનાં કસાણાં1 કસોટીમાં તનજી, તે તે થયા નર નિરવિઘનજી
સુખ દુઃખ પડ્યે ન મૂંઝાય મનજી, કાચું માને સાચું કસણી2 વિનજી
કાચું માને કસણી વિના, શોધાણું3 માને છે સાર ॥
ફરી ન થાય ફેરવણી, એવો ઊંડો ઉરે વિચાર ॥૨॥
જેમ કુલાલ4 કસે મૃત્તિકા, વળી કાષ્ઠને કસે સુતાર ॥
દરજી કસે દુકૂળને,5 લોહને કસે છે લુહાર ॥૩॥
જેમ સલાટ6 શિલાને કસી કરી, રૂડું આણે વળી તેમાં રૂપ ॥
એમ કસાય છે જન હરિના, ત્યારે થાય છે શુદ્ધ સ્વરૂપ ॥૪॥
જાણો જેમ શોધાય7 છે સુવર્ણ, તે કનક કુંદન8 થાય છે ॥
રૂડી રીતે રૂપું શોધતાં, જાણો ચોખી ચાંદી કહેવાય છે ॥૫॥
રૂપ રંગ ને રૂડાપણું, મૂલ તોલમાં વધે વળી ॥
તેહ શોધ્યાથી સહુ સમઝો, વધી કીમત સઘળી ॥૬॥
વળી જેમ બીજી ધાતુને, ગાળી બાળે મેલ માંયથી ॥
તેને તોલે9 જે ભેગે ભરી,10 અન્ય ધાતુ આવતી નથી ॥૭॥
જેમ પરિયટ11 પટકે પટને, વળી દિયે મૂશળનો12 માર ॥
ત્યારે મેલ માંહ્યલો, નવ રહે રતી નિરધાર ॥૮॥
જેમ મજીઠને13 ખાંડે ખરી, રૂડી રીતશું રંગરેજ14 ॥
ચળકે રંગે આવે ચટકી, વળી તેમાં તે આવે તેજ ॥૯॥
એમ ભક્ત ભગવાનના, આવે કષ્ટે શોધાય આપ ॥
નિષ્કુળાનંદ એ ભક્તનો, વળી વધે અધિક પ્રતાપ ॥૧૦॥