ધીરજાખ્યાન
પદ – ૧૩
રાગ: કડખો (‘શાંતિ પમાડે તેને સંત કહીએ’ એ ઢાળ)
સાચા સંતે અત્યંત રાજી કર્યા શ્રીહરિ, મેલી મમત તન મન તણી… સાચા
હિંમત અતિ મતિમાંય તે આણીને, રતિપતિની1 લીધી લાજ ઘણી… સાચા ॥૧॥
દામ વામ ધામ દીઠાં પણ નવ ગમે, કામ શ્યામ સાથે રાખ્યું છે જેણે;
નામ ઠામ ન પૂછે ગામ ગ્રાસનું2 રે, આઠું જામ હામ હૈયે રહે છે તેણે... સાચા ॥૨॥
એવા સંતનો સંગ ઉમંગ શું કરિયે, તો અભંગ રંગ રૂડો અંગ રહે;
દિલ ન ડગમગે પગ નવ પરઠે,3 ચિત્ત રહી ચંગે4 જગ જીતી લહે... સાચા ॥૩॥
સાચા સંત શૂરવીર ધીર ગંભીર છે, નીરક્ષીર કાંકરહીર5 કરે નિવેડો;6
નિષ્કુળાનંદ આનંદપદ પામીને, કે દી ન મૂકે એ વાતનો જ કેડો7... સાચા ॥૪॥