ધીરજાખ્યાન
ગ્રંથ મહિમા
ભગવાને તેમના પ્યારા ભક્તોને પોતાનું દિવ્ય મહાસુખ આપવાનો દૃઢ ઠરાવ કર્યો છે. પરંતુ તેમાં ભક્તની અમુક પ્રકારની કસરો અવરોધરૂપ બને છે. સાચા ભક્તને અશુભની જેમ જ શુભ રાગ પણ એટલા જ નડતરરૂપ છે.
જેમ બજારુ ખાણી-પીણી માણસના તન તથા મનને બગાડે છે, તેમ જ ઘરે બનાવેલા ગળ્યા-ચીકણા પદાર્થો પણ જો વધુ પડતા લેવામાં આવે તો તે પણ રોગ તથા આળસ-પ્રમાદ કરાવનારા થાય છે. તેવી જ રીતે પ્રભુને પામવા ઇચ્છતા શુદ્ધ મુમુક્ષુને શુભ-અશુભ સર્વ ઇચ્છાઓનો સમૂળ ત્યાગ કરવો જરૂરી છે. તો જ તે ભગવાનનો અવિનાશી આનંદ કાયમ માટે માણી શકવાનો પાત્ર બને છે. ભક્તને આવો શુદ્ધ સોના જેવો પાત્ર બનાવવા માટે સ્વયં ભગવાન જ તેને કસોટીરૂપી અગ્નિમાં તાવે છે.
હાલમાં આપણે સહુ કોઈને ભગવાનનો રાજીપો લેવો હોય તો પ્રભુની અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું અનિવાર્ય છે. તે કસોટી વેળામાં પાસ થયેલા આપણે ધીરજ ન ગુમાવી બેસીએ તથા જેના જીવન સાંભળવાથી બળ મળે એવા ૨૧ જેટલા આદર્શ ભક્તોના આખ્યાનો આ ગ્રંથમાં નિષ્કુળાનંદ સ્વામીએ ચોટદાર શૈલીમાં વર્ણવ્યાં છે.
જ્યારે ભગવાન પોતાના ભક્તની કસોટી કરે છે ત્યારે તેમાંથી પાર થવું ઘણું કઠણ હોય છે; તેવા સમયે ઘણા ભક્તો હિંમત હારી જાય છે ને પ્રભુપ્રાપ્તિનું કામ બગડી જાય છે; માટે એવા સમયે હિંમત ન હારવી ને ધીરજ રાખવી એવું આ ગ્રંથનું તાત્પર્ય છે.
જેને ભક્તપણાના સર્વ સદ્ગુણોથી યુક્ત તથા ભગવાનના અતૂટ વિશ્વાસવાળા ભક્ત બનવું હોય તેના માટે આ ગ્રંથ અદ્ભુત બળ પૂરું પાડે છે. સંવત્ ૧૮૯૯માં ગઢપુર મુકામે રચાયેલા આ ગ્રંથમાં ૬૪ કડવાં, ૧૬ પદ અને કુલ ૭૧૭ ચરણ છે.
Update
The stories of Harishchandra, Rantidev, Mayurdhvaj, and Jaydev have been added in English.