ધીરજાખ્યાન
કડવું – ૭
એવા સુણી બાળકના બોલજી, શંડામર્કે કર્યો મને તોલજી1
આ તો વાત ચઢી ચગડોલજી, ત્યારે કહ્યું રાયને મર્મ ભર્મ2 ખોલજી3
ખોલી મર્મ ખરું કહ્યું, પ્રહલાદ તમારો જે તન ॥
તે તો ભક્ત છે ભગવાનનો, એ મેં જોઈ લીધું રાજન ॥૨॥
આસુર વિદ્યા એની જીભે, ભૂલે પણ ભણશે નહિ ॥
બીજા બાળકને બગાડશે, વળી અવળો ઉપદેશ દઈ ॥૩॥
માટે આડી4 રખાવો એની આજથી, જે ન ચઢે બીજે વેન5 ॥
કુળ આપણામાં કેણે ન કીધું, એવું આદર્યું છે એણે ફેન6 ॥૪॥
ત્યારે હિરણ્યકશિપુ કહે પ્રહલાદને, આવી અવળાઈ તું કાં કરે ॥
નાની વયમાં નિઃશંક થઈ, કાંરે કોઈથી નવ ડરે ॥૫॥
આપું રાજ્ય તને આજથી, અન્ન ધન સર્વે સમાન ॥
ત્રણ લોકમાં કહું તાહરું, કોઈ મોડી શકે નહિ માન ॥૬॥
પ્રહલાદ કહે એહ પાપરૂપ, મને ગમતો નથી એહ ગેલ7 ॥
ભજતાં શ્રી ભગવાનને, મને સમુ8 લાગે છે સે’લ9 ॥૭॥
ત્યારે હિરણ્યકશિપુ બોલ્યો હાકલી,10 માગી લે છે મુખે શીદ મોત ॥
માનતો નથી તું માહરું, મરી જાઈશ તું તારા સોત11 ॥૮॥
ત્યારે પ્રહલાદ કહે હવે બોલવું, તેનો કરવો વિચાર ॥
તને તારે મને મારિયો, તેથી પામ્યો છું તું હાર ॥૯॥
ત્યારે હિરણ્યકશિપુ કહે કોપ કરી, તને હણીશ મારે હાથ ॥
તારી રક્ષા કેમ કરશે, નિષ્કુળાનંદનો નાથ ॥૧૦॥